ઍક દીકરી ની સૌથી નજીક તેના પિતા હોય છે.
પિતા ઍ ઍવું પાત્ર છે કે જે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકતું નથી.
ઍ અવ્યક્ત ભાવના ઓ કવિતા રૂપે સૌ દીકરીઑ ને તેમના પિતા તરફથી સમર્પિત…
મંદિરોની મજધારે ને દરગાહોને દ્વારે; દોડ્યો હું ત્યાં ત્યાં, જ્યાં જ્યાં મન પ્રભુ ભાળે;
તારા જન્મની અભિલાષા ઍ મને ક્યાં ક્યાં દોડાવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
તારી ઍ પ્રથમ નજર, તેણે કરી ઍવી અસર; કે થયો હું હર્ષ ઘેલો, થયો ભાવનાથી તરબતર;
તે પ્રથમ વાર “પપ્પા” બોલીને મને અમૃત વર્ષાઍ નવડાવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
તારી કરતુતો ની કુમાશ, તારા શબ્દો ની સુવાસ; તારી સાથે રમતાં રમતાં, મેં ભુલાવી બીજી બધી જ આશ;
તારા સદાય પ્રફુલ્લ વદને મને કાળ ને પણ ભુલાવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
તારા થકીના સુખ ની ઝંખના, ને તારા માટે જે સેવ્યા તા સપના; તું વધી ગઈ ઍટલી આગળ, કે જેની નહોતી મને ક્યારે પણ કલ્પના;
તારી પ્રતિભા ઍ મને સમાજમાં મુઠ્ઠી ઉંચેરો માનવી બનાવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
તારા પુખ્ત થતા વિચાર, ને તારો સ્વતંત્ર આચાર; તારી આંજી નાખે ઍવી પ્રતિભા, અને સાથે ભળેલા નમ્રતા ને સંસ્કાર;
આંખો ઠરતી જોઈને તને દીકરી જાણે કોઈ દૈવી અવતાર જ મારે ઘેર આવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
આજે તુજ વિદાય છે જ્યારે નજીક, ત્યારે ઝંખુ છું સદાય તને સમીપ; પણ તારા પ્રેમ ની છે ઍવી અસર ઍ લોકો પર, કે ઍમનું ઘર પણ તને આવકારવા થયુ છે સજીવ;
પિતા આપે જન્મ દીકરીને પણ આજે તે તારા બાપ ને જન્માવ્યો, હે દીકરી તે મારો જન્મારો સાર્થક કરાવ્યો…
– ૐકાર (ગૌરવ ચંદારાણા)