જીવન ના આ પ્રવાસમાં ઘણા વ્યક્તિઓ મળે છે, ઘણા સાથે સંબંધો બંધાય છે. તેમાનાં અમુક સંબંધો યાદ રહે છે તો અમુક સમયની સાથે વહી જાય છે. પણ અમુક સંબંધો કબાટમાં મૂકી રાખેલા પેલા વર્ષો જૂના આલ્બમમાં સચવાયેલા ફોટા જેવા હોય છે, જે યાદ તો છે પણ તાજા નથી. તેમ છતા ક્યારેક કોઈ કારણસર ઍ ફોટા હાથમાં આવી જાય ત્યારે જાણે ઍ સમયને પાછો જીવતો કરી દે છે, ઍ ક્ષણોનો સ્પર્શ કરાવી જાય છે. આ રચના સૌ કોઇના ઍવા અમુક અંગત સંબંધોને નામ.
જાણે કોઈ ઝાકાળબિંદુ અને સુર્યકીરણ નું મળવું,
સાવ ઍવી અમથી વાત, ઍ છેલ્લી મુલાકાત…
મળ્યા પહેલા આતુરતા, ને પછી ચમક, નિરાંત અને ભીનાશ,
આ તે વળી આંખોનો કેવો સંવાદ? ઍ છેલ્લી મુલાકાત…
જે ખરીદવા ગયેલ યાદોનો ટોપલો,
ઍ વેચી આવે પોતાની આખીયે જાત ! ઍ છેલ્લી મુલાકાત…
– સાવન.